પ્રો. આર.એમ .ત્રિવેદી (મુળ વતન મોરડ, તા.પેટલાદ) પુર્વ આધ્યાપક બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (એન્જીનીઅરીંગ કોલેજ)નું લાંબી બીમારી બાદ યુ.એસ.એના માં નિધન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી ત્રિવેદી સાહેબનો જન્મ ૧૯૩૩મા થયો હતો. તેઓશ્રીએ તેમનું પ્રાથમિક અને હાઈસ્કુલનું શિક્ષણ મદ્રાસથી મેળવેલ હતું. બી.એસ.સી.નો અભ્યાસ તેઓના મોસાળ રાજકોટ ખાતેથી યશ્સ્વીપુર્ણ સંપન્ન કર્યા બાદ વિદ્યાનગર ખાતે તેઓનું એમ.એસ.સીનું શિક્ષણ પુર્ણ કર્યું હતું. વિધાર્થી કાળ દરમ્યાન અનેકાનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેમની અદભુત કુનેહ અને નેતાગીરીના દર્શન કરાવ્યા હતા. અભ્યાસ કાળ દરમ્યાન તેઓ તેમના વર્તુળ ઉપરાંત શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય બનેલ હતા. ૧૯૫૪મા તેઓ ડીબેટ સેક્રેટરી તરીકે ખાસ ઉપસી આવેલ હતા.
વ્યવસાયિક કારકિર્દીનો આરંભ તેઓશ્રી એ ૧૯૫૮મા બી.વી.એમ કોલેજના ફીજીક્સ ડીપાર્ટમેન્ટ સાથે જોડાઈને શરુ કર્યો. તેઓની કુનેહ, શિસ્ત, અન્યને ઉપયોગી બનવાની ખેવનાના કારણે તેઓ મિત્રમંડળ અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યા હતા. તેઓની આ વિશિષ્ટતાના કારણે કોલેજની રમતગમતો અને ઇલેકશનમાં તેઓનો સહયોગ કોલેજ અને અન્યોને ખુબ જ ઉપયોગી સિધ્ધ થતો હતો. આ સામાન્ય રીતે અઘરા ગણાતા કાર્યો તેઓ વગર લગભગ અશક્ય જેવા બની જતાં. આ સમય કાળ દરમ્યાન પરિવારની પવિત્ર ફરજોમાં પણ તેઓના સંતાનોને ઉત્તમ શિક્ષણ અપાવીને તેઓની પારિવારિક ફરજોને પણ ઉત્તમ ન્યાય આપ્યો. સામાજિક કક્ષાએ બાજ ખેડાવાળ છાત્રાલયના નિર્માણ કાળથી જ તેની સાથે સક્રિયપણે સંકળાઈને આશરે બે દાયકાની ઉત્તમોત્તમ સેવાઓ આપીને સંસ્થાને ઊંચાઈ આપવા સિંહફાળો આપ્યો. દર વર્ષે આશરે ૧૦૦ જરુરીયાતમંદ વિધાર્થીઓને પુસ્તકોની મદદ કરતા. બી.વી.એમ.કોલેજની એમ્પ્લોઇઝ ક્રેડીટ સોસાયટીની સ્થાપનાના તેઓ પાયોનિઅર હતા. અને તેના વિકાસની તેઓ સતત ચિંતા કરતાં. આ ક્રેડીટ સોસાયટીમાં નજીવા દરે લોન અપાવીને અનેક પરિવારોની ઉન્નતિના નિમિત્તબનીને તે પરિવારોને ઉભા કરેલ છે.
વિદ્યાનગરની અગ્રણી સ્વૈચ્છિક સેવા સંસ્થા 'લાયન્સ ક્લબ ઓફ વિઠ્ઠલઉધોગનગર'ની સ્થાપનામાં પણ તેઓએ ચાવીરૂપ ભૂમિકાઓ અદાકરેલ હતી. આ ઉપરાંત નગરની જરૂરીયાતને અનુલક્ષીને તે સમયે નગરની પંચાયતને સુપ્રત કરેલ સહુ પ્રથમ એમ્બ્યુલન્સવાન લોક સહકાર થકી મેળવવા તેઓના પ્રદાનને આજે પણ યાદ કરાય છે. વલ્લભવિદ્યાનગરના સ્થાનિક સક્ષમવહીવટની અને હિતની ચિંતાઓ સદાયે તેમને હૈયે વસેલી હતી. આધુનિક વિદ્યાનગરના પ્રથમ સરપંચ શ્રી વિનુંકાકાને પદસ્થ કરવા તેમનો સહયોગ અગ્રપણે રહેલ હતો.
નગરના આદર્શ ટાઉન પ્લાનીંગ માટે તેઓશ્રીએ હાઉસીંગ બોર્ડમાં સક્રિયપણે ભાગ ભજવીને વિદ્યાનગરની પ્રોફેસર સોસાયટી અને આદર્શ સોસાયટીના નિર્માણમાં પ્રમુખ યોગદાન આપ્યું. અને આયોજનબધ્ધ નગરના વિકાસની શરૂઆત કરવા નિમિત્ત બન્યા. આ ઉપરાંત વલ્લભવિદ્યાનગરની ટાઉનક્લબના નિર્માણમાં પણ જવાબદારીઓ સ્વીકારીને તેને સફળતાપૂર્વક હલ કરી. આ દરમ્યાન આ નગર સમીપેના વલાસણ ગામને દત્તક લઇને તે ગામમાં પાયાની એવી સ્ટ્રીટલાઈટ અને અન્ય જરૂરી સુવિધાઓ પુરી પાડવામા સક્ષમતાપુર્વક કામગિરી બજાવી. નિવૃત્તિના સમયે પણ મુળ સેવાભાવી અને શિક્ષણપ્રેમી જીવ હોવાના કારણે આણંદની શારદા હાઈસ્કુલમાં પણ સેવાઓ આપીને તેઓની સેવા ભાવનાને ઉજાગર કરી.
૧૯૮૭મા તેઓના બન્ને સુપુત્રો યુ.એસ.એ.માં સ્થિત થયા હોઈ નિવૃત્તિ બાદ પણ અમેરિકામાં આવીને ત્યાં પણ ક્વોલીટી કન્ટ્રોલર તરીકે આરોગ્ય અને કલ્યાણ વિભાગમાં ૧૬ વર્ષ અમેરિકા સરકારમાં ફરજોને ઉત્કૃષ્ટ ન્યાય આપ્યો. તેઓની જીવનયાત્રા દરમ્યાન તેઓની સફળતાના સંચારસમા તેમના સહધર્મચારિણી શ્રીમતી પ્રેમલતાબેનનું યોગદાન અણમોલ અને ઉપયોગી નીવડેલ હતું, કદાચ જે આ બધી સફળતાના જવાબદાર ગણી શકાય. દિવંગત શ્રી ત્રિવેદી સાહેબનું સમગ્ર જીવન પરિવાર અને સમાજ પ્રમાણિક, આદર્શ, પ્રેમાળ, સમર્પિત હતું,જે અન્યોને પણ ઉત્તમ પ્રેરક બનેલ છે. તેઓની સત્યનિષ્ઠા, ખુમારી, સંગઠન શક્તિ, આગવી કોઠાસુઝ અને સેવાભાવ સદૈવ અવિસ્મરણીય રહેશે.
પરમકૃપાળુ પરમાત્મા તેઓના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે અને તેઓની સમીપે સ્થાન આપે તેવી અભ્યર્થના.... ઓમ શાંતિ .. શાંતિ.. શાન્તિઃ ..ઓમ.
No comments:
Post a Comment